From https://www.facebook.com/shrirameshparekh/posts/292454014120211
Date 27/11/2011, Time 10:33 From Shri Ramesh Parekh's Profile Facebook
આજે આ મસ્ત જીવ શ્રી રમેશ પારેખજી નો જન્મદિવસ છે, જેને ગુજરાતી સાહિત્ય જગત ની એક અતિ સુંદર ઘટના કહી શકાય....એમના ચરણો ને વંદન અને જન્મદિન ની અઢળક શુભેચ્છાઓ.
રમેશ પારેખ એટલે દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર. રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌન્દર્ય. રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા. રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. આ ‘છ અક્ષરનું નામ’ આજે અચાનક અ-ક્ષર થઈ ગયું. સમયના કોઈ ખંડમાં હિંમત નથી કે એના નામ પાછળ ‘હતાં’ લખી શકે. રમેશ પારેખ ‘છે’ હતાં, ‘છે’ છે અને ‘છે’ જ રહેશે !
અમરેલીમાં જન્મ. મેટ્રિક સુધી અભ્યાસ. કર્મભૂમિ રાજકોટ. પત્ની રસિલાબેન અને નીરજ, નેહા સંતાનો. સરકારી કારકૂની પણ કરી. દુનિયાદારીમાં મન ન લાગે અને કલમ દિશાહીન. સંગીત, ચિત્રકળા, જ્યોતિષ અને કવિતામાં ઊંડો રસ. માંહ્યલો તો શબ્દોથી ફાટફાટ પણ હનુમાનને સાગરલંઘનની ક્ષમતા કયો અંગદ યાદ કરાવે? રજનીકુમાર પંડ્યા અને અનિલ જોશી નામના અંગદ ન મળ્યાં હોત તો રમેશ નામનો હનુમાન શબ્દ-સાગર લાંધી શક્યો હોત કે કેમ એ પ્રશ્ન છે. રજનીકુમાર કવિતા લખવા પ્રેરે અને અનિલ જોશી વાર્તા લખવા માટે. ચિડાઈને એકવાર ર.પા.એ રજનીકુમારને કહી દીધું: ‘ સાલા, તું વાર્તાકાર છે એટલે મને કવિતામાં ધકેલે છે અને પેલો અનિલ કવિ છે એટલે મને વાર્તા લખવા કહે છે. સાલાઓ, તમે બધાં મારાથી ડરો છો’.
સાંઠનો દાયકો પતવા આવ્યો અને ર.પા.એ પોતાની જાત સાથે અનુસંધાન સાધી લીધું. લોહી કવિતા બની કાગળ પર વહેવા માંડ્યું. સોનલકાવ્યો એ એમનો પર્યાય બની ગયાં. સુરેશ દલાલ કહે છે:’ એમની કવિતામાં આવતી સોનલ પૂર્વજન્મની સ્મૃતિ છે, આ જન્મની અટકળ છે અને આવતા જન્મનું આશ્વાસન છે’. આલા ખાચરના કાલ્પનિક પાત્ર વડે કાઠિયાવાડના બાપુઓની મનોદશા અને દશાનું વ્યંગાત્મક અને કરુણ આલેખન આપણી કવિતામાં નોખું જ સ્થાન ધરાવે છે. મીરાંકાવ્યોમાં ર.પા.ની આધ્યાત્મિક્તા એવી તો સહજતાથી ઊઘડે છે કે કૃષ્ણને પણ અદેખાઈ આવે. ચમત્કૃતિથી ભરપૂર કવિતામાં ક્યાંય સસ્તી ચાલાકી કે શબ્દરમત જોવા ન મળે એ ર.પા.ની વિશેષતા. અરૂઢ વિષયોને અરૂઢતાથી, અવનવાં કલ્પનો ને લયઢાળો દ્વારા મૂર્ત કરવાની એમની સહજ ફાવટ એ એમની કવિતાનું ઘરેણું. ગીત, ગઝલ, છંદોબદ્ધ કાવ્યો, સૉનેટ, અછાંદસ- જેને એનો ‘મિડાસ ટચ’ મળે એ ભાષાની ખાણનું સોનું બની જાય. મોરારિબાપુએ કહ્યું હતું: ‘આ કવિ કંઈક ભાળી ગયેલો છે’.
હાથી પર સવારી કાઢી કોઈ શહેરે એના કવિનું સન્માન કર્યું હોય એવી લોકવાયકા ર.પા.ના જીવનમાં જ સાચી પડી શકે. શબ્દો સાથે એવો તો ઘરોબો કે કેટલાંક શબ્દો ને કાવ્યો તો વાંચતાં જ જણાય કે આ તો ‘રમેશ-બ્રાંડ’ છે. બીજો કોઈ કવિ આ સૂર્યના તાપને અડવાનું વિચારી ય ન શકે. ગુજરાતી સાહિત્યના તમામ મોટા પુરસ્કારો જીવતેજીવ મેળવનાર ર.પા. છેવટ સુધી ધરતીને અડીને જ જીવ્યાં. લોકપ્રિયતા કદી માથે ચડીને બોલી હોય તો એ જણ કોઈ અન્ય હોય તો હોય, ર.પા. તો નહીં જ.
હૃદયરોગના જીવલેણ હુમલાએ ર.પા.ના નશ્વર દેહને આજે અકારણ ખૂંચવી લીધો પણ એમનો અક્ષરદેહ સદા શ્વસતો રહેશે આપણી ભાષા અને આપણી સ્મૃતિમાં.
કાવ્યસંગ્રહો: ‘છ અક્ષરનું નામ’ (1991) સમગ્ર કવિતામાં સંગ્રહસ્થ કાવ્યસંગ્રહો: ‘ક્યાં’ (1970), ‘ખડિંગ’ (1980), ‘ત્વ’ (1980), ‘સનનન’ (1981), ‘ખમ્મા, આલા બાપુને!’ (1985), ‘મીરાં સામે પાર’ (1986), ‘વિતાન સુદ બીજ’ (1989), ‘અહીંથી અંત તરફ’ (1991). ત્યાર બાદ ‘છાતીમાં બારસાખ’, ‘લે તિમિરા! સૂર્ય’, ‘ચશ્માંના કાચ પર’ અને ‘સ્વગતપર્વ’.
નવલિકા: ‘સ્તનપૂર્વક’
નાટક: ‘સગપણ એક ઉખાણું’, ‘ ‘સૂરજને પડછયો હોય’, ‘તરખાટ’
લેખો: ‘હોંકારો આપો તો કહું’.
બાળ સાહિત્ય: ‘હાઉક’, ‘દે તાલ્લી’, ‘ચીં’, ‘હફરક લફરક’, ‘દરિયો ઝુલ્લમ ઝુલ્લા’, ‘હસીએ ખુલ્લમ ખુલ્લા’, ‘જંતર મંતર છૂ’.
સંપાદન: ‘ગિરા નદીને તીર’, ‘આ પડખું ફર્યો લે!’.
પારિતોષિકો: કુમાર ચંદ્રક, ગુજ. સાહિત્ય અકાદમી પારિતોષિકો, ગુજ. સાહિત્ય પરિષદ પારિતોષિકો, રણજિતરામ સુવર્ણચંદ્રક, ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક, કલાગૌરવ સુવર્ણચંદ્રક, ગુજ. રાજ્ય ફિલ્મ એવોર્ડ, ક્રિટીક્સ એવોર્ડ અને અન્ય ઢગલોક પુરસ્કારો.
શ્રી રમેશ પારેખજી ની એક મહાન રચના....
સાંવરિયો રે મારો સાંવરિયો,
હું તો ખોબો માંગુ ને દઇ દે દરિયો
જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં,
એવી લથબથ ભીંજાઇ હું વ્હાલમાં
મારા વાલમનું વ્હાલ મારું નાણૂં,
ભર્યા જીવતરને ગુલાલ જેવું જાણું
જાણું રે એણે ખાલી ઘટામાં ટહુકો કર્યો
આંખ ફડકી ઉજાગરાથી રાતી,
ઝીણાં ધબકારે ફાટ ફારઅ છાતી,
મારો સાવ ભોળો ને સાવ બાવરિયો
કોઇ હીરા જુએને કોઇ મોતી
મારી આંખો તે છેલજીને જોતી
જોતી રે રંગ કેરસિયો રે રંગ કેસરિયો....
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો